શાળા-કોલેજોમાં હિજાબ પહેરવાની મંજૂરી નહીં, કર્ણાટક હાઈકોર્ટે અરજી ફગાવી

કર્ણાટક હિજાબ વિવાદ પર હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કર્ણાટકના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચ સવારે 10.30 વાગ્યે શાળાઓ અને કોલેજોમાં મુસ્લિમ છોકરીઓના હિજાબ પહેરવા અંગે નિર્ણય આવી ગયો છે.શાળા-કોલેજોમાં હિજાબ પહેરવાની મંજૂરી નહીં હાઈકોર્ટે શાળા કોલેજોમાં હિજાબ પ્રતિબંધના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે હિજાબ પહેરવું એ ઇસ્લામની ફરજિયાત પ્રથાનો ભાગ નથી.

હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે હિજાબ ઈસ્લામમાં અનિવાર્ય નથી. ધર્મનો જરૂરી હિસ્સો નથી. કર્ણાટક હાઈકોર્ટે શાળા કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. કોર્ટે મુસ્લિમ વિદ્યાર્થીનીઓ તરફથી કોલેજોમાં હિજાબ પહેરવાની મંજૂરી અને 5 ફેબ્રુઆરીના રોજના સરકારી આદેશને પડકારતી તમામ અરજીઓ ફગાવી દીધી. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે 5 ફેબ્રુઆરીના સરકારી આદેશને અમાન્ય કરવાનો કોઈ મામલો બનતો નથી.

  • કર્ણાટક હિજાબ વિવાદ પર નિર્ણયને લઈને કર્ણાટકના કોપ્પલ અને ગદગ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
  • કલબુર્ગીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ 19 માર્ચ સુધી અમલમાં રહેશે.
  • દાવણગેરે અને હાસન જિલ્લામાં પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે.
  • શિવમોગામાં શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કલમ 144 21 માર્ચ સુધીલાગુ કરવામાં આવી છે.
  • ચુકાદા પર કોઈપણ પ્રકારની ઉજવણી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
  • બેલગામ અને ચિક્કાબલ્લાપુરમાં પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે.
  • બેંગ્લોરમાં એક સપ્તાહ માટે કલમ 144 લાગુ કરવામાં આવી
  • કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન અને ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મુસ્લિમ વિદ્યાર્થીનીઓની શું હતી માંગણી?

કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણ એસ દિક્ષિત અને જસ્ટિસ જેએમ કાજીની બેન્ચ ઉડુપીની છોકરીઓની અરજી પર સુનાવણી માટે બનાવવામાં આવી. આ છોકરીઓની માગણી હતી કે તેમને ક્લાસમાં શાળાના યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની પણ મંજૂરી આપવામાં આવે. કારણ કે તે તેમની ધાર્મિક આસ્થાનો ભાગ છે.

હિજાબ વિવાદ પાછળ CFI

અત્રે જણાવવાનું કે એક જાન્યુઆરીના રોજ ઉડુપીની એક કોલેજની 6 છોકરીઓએ કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(CFI) તરફથી આયોજિત એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન કોલેજ પ્રશાસન તરફથી આ છોકરીઓને હિજાબ પહેરીને ક્લાસમાં આવતી રોકવા વિરુદ્ધ કરાયું હતું.   25 ફેબ્રુઆરી 2022ના રોજ કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ હતી અને હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટની સિંગલ બેન્ચે પહેલી સુનાવણી 8 ફેબ્રુઆરી 2022ના રોજ કરી હતી. ત્યારબાદ 9 ફેબ્રુઆરી 2022ના રોજ સિંગલ બેન્ચે મામલો મોટી બેન્ચને મોકલ્યો. પછી 10 ફેબ્રુઆરી 2022ના રોજ 3 જજની બેન્ચે સુનાવણી શરૂ કરી અને આગામી આદેશ સુધી વિદ્યાર્થીઓને ધાર્મિક પોષાક પહેરવા પર રોક લગાવી દીધી હતી.  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp