સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાનું 72 વર્ષે લિવર ટ્રાન્સપ્લાન્ટ. વાંચો સમગ્ર વિગતો

govind dholakia

સુરતના ડાયમંડ કિંગ એવા  ગોવિંદભાઈ ધોળકિયાના ત્રણ વર્ષથી ખરાબ થયેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. બે દિવસ પહેલાં બ્રેઈનડેડ જાહેર કરાયેલા વલસાડના યોગશિક્ષિકા રંજનબેનના લિવરનું ગોવિંદભાઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. કતારગામની કિરણ હોસ્પિટલમાં આશરે 9 કલાકની શસ્ત્રક્રિયા બાદ ગોવિંદભાઈના શરીરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર ખ્યાતનામ સર્જન ડો. રવિ મોહન્કાએ આ ઓપરેશન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગોવિંદભાઈ ગુજરાતમાં રામમંદિર નિર્માણ નિધિના અધ્યક્ષ છે અને તેમણે રામમંદિર માટે રૂ. 11 કરોડનું દાન કર્યું છે .

2018થી લિવર ખરાબ હતું, બે મહિના પહેલા કમળો થયેલો

ગોવિંદભાઈ ધોળકિયાનું લિવર વર્ષ 2018થી ખરાબ થયું હોવાનું સામે આવ્યું હતું. અગાઉ હર્ણિયાના ઓપરેશન વખતે લિવર ખરાબ હોવાનું નિદાન થયું હતું. જો કે, બે મહિના પહેલા તેમને કમળો થયો ત્યારથી લિવર વધુ બગડ્યું હતું. જેથી લિવરને ટ્રાન્સપાલન્ટ કરાવવું જ હિતાવહ  હોવાનું તબીબોએ કહ્યું હતું. આ માટે તેમના શરીરને અનુકૂળ અને મેચ થાય તેવા લિવરની ટ્રાન્સપ્લાન્ટ માટે શોધ ચાલી રહી હતી.

Govidbhai Dholkia 3
ગોવિંદભાઈ ધોળકિયા

વલસાડની શિક્ષિકાએ જતાં-જતાં ગોવિંદભાઈ ધોળકિયાને આપ્યું  નવું જીવનદાન

વલસાડના બ્રેઈનડેડ યોગ શિક્ષિકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડાને ગત 30 સપ્ટેમ્બરે ધરમપુર ચોકડી પાસે અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને બ્રેઇન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. બે દિવસ પહેલાં તેમને બ્રેઈનડેડ જાહેર કરાતાં પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. આમાંથી લિવર ગોવિંદભાઈ ધોળકિયાને આપવાનું નક્કી કરાતા સુરતમાં તેના માટે સર્જરી કરાઈ હતી.

Govidbhai Dholkia 2
યોગ શિક્ષિકા રંજનબેન ચાવડા અંગોના દાનથી 5ને નવજીવન આપ્યું.

20 વર્ષના અનુભવી ડોક્ટરે 9 કલાક સુધી ઓપરેશન કર્યું

ગોવિંદભાઈના ઓપરેશનને લઈને હૈદરાબાદ,ચેન્નાઈ, મુંબઈ, લંડન હોસ્પિટલના ડોક્ટરોની સલાહ સૂચન બાદ ઓપરેશન સુરતની હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં 20 વર્ષનો અનુભવ ધરાવતા ડોક્ટર રવિ મોહન્કા અને તેમની ટીમે સાંજના 6 વાગ્યાથી લઈને મધરાતના 3 વાગ્યા સુધી એટલે કે નવ કલાક સુધી આ ઓપરેશન ચાલ્યું હતું, જે સફળ રહ્યું હતું.

રામમંદિર નિર્માણનિધિમાં 11 કરોડનું દાન છે

ગોવિંદભાઈ ધોળકિયા આમ તો સુરતમાં શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સ નામની ડાયમંડ કંપની ધરાવે છે. દેશ-વિદેશમાં તેમનો હીરાનો વેપાર ફેલાયેલો છે. પરંતુ તેઓ પોતાના સખાવતી કાર્યોથી વધુ જાણીતા છે. તાજેતરમાં જ રામમંદિર નિર્માણ માટે જે નિધિ બનાવવામાં આવી તેના તેઓ ગુજરાતના અધ્યક્ષ છે. હાલમાં જ રામમંદિર નિર્માણ નિધિમાં ગોવિંદભાઈ ધોળકિયાએ રુ. 11 કરોડનું દાન કર્યું છે .

Govidbhai Dholkia 4 1
ગોવિંદભાઈ ધોળકિયા

ગોવિંદભાઈના અન્ય અંગો ખૂબ સારા :

ગોવિંદભાઈના નજીકના લોકોએ જણાવ્યું હતું કે, ગત શનિવારે ઓપરેશન કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલમાં સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમનું લિવર હજુ બે ત્રણ વર્ષ હજુ ચાલે તેમ હતું. જો કે તબીબોએ કહ્યું કે, હાલ 72 વર્ષની ઉંમર છે અને બાદમાં ઓપરેશન કરવું તેના કરતાં હાલ લિવર સારૂં મળી રહ્યું છે તો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. જો કે, ગોવિંદભાઈના લિવર સિવાયના તમામ અંગો 60 વર્ષની ઉંમરની વ્યક્તિના હોય તેટલા તદુરસ  છે. હાલ તેઓ આઈસીયુમાં છે અને સ્વસ્થ છે.

Govidbhai Dholkia 4
ગોવિંદભાઈ ધોળકિયા

કોણ છે ગોવિંદભાઇ ધોળકિયા?

ગોવિંદભાઇ ગુજરાતના સુરતના અગ્રણી હીરાના વેપારી છે. તેઓ રામકૃષ્ણ ડાયમંડના માલિક છે.તેઓ અમરેલી જિલ્લાના દૂધાળા ગામના વતની છે. 13 વર્ષની ઉંમરે સુરત હીરા ઘસવાના કામ સાથે સંકળાયા હતાં. બાદમાં 1970માં પોતાનું હીરા પોલિશ  કરવાનું કારખાનું શરૂ કર્યું હતું. જેમાં ભારે સફળતા મળતાં આજે એસઆરકે(શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ) કંપનીમાં પાંચ હજારથી વધુ રત્નકલાકારોને રોજગારી આપી રહ્યાં છે.

 

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ કેમ 6 કલાક ઠપ રહ્યા? સામે આવ્યું ચોકવનારું કારણ

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!