તાત્કાલિક ખારકીવ ખાલી કરીને બહાર નીકળો, તમામ ભારતીયોને સરકારની આપી ચેતવણી

કીવ બાદ હવે રશિયાએ યુક્રેનના બીજા મોટા શહેર ખારકીવમાં મોટાપાયે હુમલા અને તોપમારો શરુ કર્યો હોવાથી ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને ખારકીવમાં રહેલા તમામ ભારતીયોને વહેલી તકે શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 

 

ખારકીવમાં રહેલા ભારતીયો તત્કાળ શહેર ખાલી કરે-ભારતીય વિદેશ મંત્રાલય 
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સાતમા દિવસે વિદેશ મંત્રાલય દ્વારા નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઈઝરી મુજબ ખારકીવમાં હાજર તમામ ભારતીયોએ પોતાની સુરક્ષા માટે તાત્કાલિક ખારકીવ શહેર છોડીને જવું પડશે.
વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે સાંજે જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ખારકીવમાં સ્થિતિ ખરાબ છે, તેથી ભારતના તમામ વિદ્યાર્થીઓ અને ત્યાં ફસાયેલા લોકોને તાત્કાલિક ખારકીવ શહેર છોડવાની સલાહ આપવામાં આવે છે.

ભારતીયોને અહીં જવાનું કહેવાયું 

એડવાઈઝરીમાં વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારતીયો ખારકીવથી પેસોચિન,બાબાયે અને બેઝલ્યુડોવા તરફ જઈ શકે છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેનના સમય મુજબ ભારતીયોએ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં પેસોચિન, બાબાયે અને બેઝ્લોવકા પહોંચવું પડશે. જણાવી દઈએ કે ભારતનો સમય યુક્રેનના સમય કરતા સાડા ત્રણ કલાક આગળ છે. એટલે કે ખારકીવમાં રહેતા ભારતીયો પાસે આ સમયે શહેર છોડવા માટે સાડા ત્રણ કલાકનો સમય છે.