અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો યોજાયો ભવ્ય રોડશો, ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે IPL-2022ની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રીએ ગુજરાત ટાઈટન્સની વિજેતા ટીમને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત ટાઈટન્સની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ખેલાડીઓને સંભોધન કર્યું હતું. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવામૂડમાં જણાયા હતા.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, મારે કોઈ દિવસ ફિલ્ડિંગ કરવાનો વારો જ નથી આવ્યો. જ્યારે પણ કરી ત્યારે સીધી જ બેટિંગ કરી છે. તેમના આ નિવેદન સાથે ત્યાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.

કેપ્ટન હાર્દિક પંડ્યાએ દરેક ખેલાડીની ગુજરાતના મુખ્યમંત્રી સાથે ઓળખ કરાવી હતી. જે બાદ મુખ્યમંત્રીએ ચેમ્પિયન ટીમના દરેક ખેલાડીનું સાલ ઓઢાડીને સમ્માન કર્યું હતું.

આ અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત ટાઇટન્સ ટીમે તેની ડેબ્યૂ ટુર્નામેન્ટમાં વિજેતા બની સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. ગુજરાત ટાઇટન્સ ટીમને વિજેતા બનતા જોઇને દરેક ગુજરાતીની છાતી ગર્વથી ફુલી જાય તેવો માહોલ ફાઇનલ મેચમાં સર્જાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાઇનલ મેચની રોમાંચક પળો વિશે ખેલાડીઓ સાથે વાત કરી હતી. આ સાથે-સાથે બાળપણમાં ક્રિકેટ રમવાના તેમના સંસ્મરણો પણ તાજા કર્યા હતા.

ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓએ સોશિયલ કોઝ માટેની પ્રસંશનીય પહેલ કરતા ટીમના બધા જ ખેલાડીઓના હસ્તાક્ષર કરેલું ‘ બેટ ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપ્યુ હતું. આ બેટની હરાજી વેચાણમાંથી થનારી આવક રાજ્યની દિકરીઓના શિક્ષણ- કન્યા કેળવણી માટે વપરાશે. 

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમની જીત પાછળનો સફળતા મંત્ર વર્ણવતા કહ્યું કે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધારે ગુજરાતી પ્રેક્ષકોએ ઉત્સાહ વર્ધન કર્યું તેનાથી એક અલગ જ ઉર્જા સૌ ખેલાડીઓને મળી હતી.

સ્ટાર ખેલાડીઓને જોવા રિવરફ્રન્ટ સમર્થકો ઉમટી પડ્યા હતા. અમદાવાદમાં ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી આ રોડ શોનું સમાપન થશે અને વિશ્વકુંજ રિવરફ્રન્ટ ખાતે તેની પૂર્ણાહુતિ થશે.

ખુલ્લી બસમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ પ્રશંસકોનું અભિવાદન ઝીલ્યું હતું. ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 

મુખ્યમંત્રી સમક્ષ ટીમના કોચ આશિષ નેહરા, વાઈસ કેપ્ટન રાશિદ ખાન, ઓપનર શુભમન ગીલ તથા રિદ્ધિમાન સાહા વગેરે ખેલાડીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા, આ ખેલાડીઓએ ગુજરાતી ખાનપાન, મહેમાનગતિ અને ગુજરાતી પ્રેક્ષકોના ઉત્સાહને વખાણ્યા હતા.

હાર્દિકને તેના ફેવરિટ ગુજરાતી ફૂડ વિશે પૂછવામાં આવતા તેણે જવાબ આપ્યો કે, ખીચડી મારી પ્રિય વાનગી છે. ભલે હું હોટલમાં રહું, પરંતુ આજે પણ મારે ઘરેથી ટિફિન આવે છે. અત્યારે પણ હું ઘરેથી દાળભાત ખાઈને આવ્યો છું.

આ સમયે ગુજરાત ટાઈટન્સના ખેલાડી શુભમન ગિલે કહ્યું કે, મને ગુજરાતની વાનગી થેપલા અને ખીચડી ખૂબ જ ભાવે છે. જ્યારે મૂળ અફઘાનિસ્તાન ખેલાડીએ કહ્યું કે, અમદાવાદના લોકોને ચિયર કરતાં જોઈને હું ઘણો ઉત્સાહિત થઈ ગયો છું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *