જેતપુર નજીક ટેન્કરે બાઇકચાલકને 50 ફૂટ ઢસડી કચડ્યો,ઘટનાસ્થળે જ યુવક નું મોત

રાજકોટ : જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે પર પેઢલા ચોકડી પાસે રવિવારે પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઇકચાલક યુવાનને કચડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલક યુવાનને ટેન્કરે 50 ફૂટ સુધી ઢસડ્યો હતો તેમજ ટેન્કરના તોતિંગ વ્હીલ તેની પર ફરી વળતાં ઘટનાસ્થળે જ દમ તોડી દીધો ગતો. આ ગમખ્વાર અકસ્માત બાદ ટેન્કરચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. જોકે આ અકસ્માતનાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે. સીસીટીવીમાં 5 સેકન્ડમાં જ બાઇકચાલક યુવાનને મોત આંબી ગયાનાં દૃશ્યો જોવા મળે છે.

મૃતક યુવાન બાઇક પર વાડીએ જતો હતો
અકસ્માત માટે જાણીતી પેઢલા ચોકડી ફરી ગોઝારી બની હતી. પેઢલા ગામનો હિતેશ રવજીભાઈ મકવાણા (ઉં.વ.28) નામનો યુવાન પોતાની બાઇક લઈને વાડીએ જતો હતો. ત્યારે ગામમાંથી હાઈવે પર ચોકડી ક્રોસિંગ કરતો હતો એ વેળાએ માતેલા સાંઢની માફક ધોરાજી બાજુથી આવતું GJ-12-BV-9489 નંબરના ટેન્કરના ચાલકે તેને હડફેટે લીધો હતો. હિતેશ ટેન્કર હેઠળ આવી જતાં ચાલકે બ્રેક મારતાં 50 ફૂટ જેટલો ઢસડાયો હતો. બાદમાં ટેન્કર ઊભું રહેતાં ચાલક નીચે ઊતરી નાસી ગયો હતો..

2

હિતેશ ટેન્કર હેઠળ ફસડાયો અને મોત મળ્યું
જ્યારે લોહીલુહાણ હાલતમાં રહેલા હિતેશને ત્યાં સ્થળ પર આવી ગયેલા તેમના સંબધીઓ સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતાં ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ટેન્કરચાલકના ગફલતભર્યા ડ્રાઇવિંગને પગલે યુવાન અચાનક જ ટેન્કર નીચે ફસડાયો હતો અને મોત આંબી ગયું હતું.

3

નકામી આડશ દૂર કરવાની સરપંચની માગ
મૃતકના નાનાભાઈ પુરુષોત્તમભાઈએ ટેન્કરચાલક સામે માનવ જિંદગી જોખમાય એ રીતે પૂરપાટ ઝડપે ટેન્કર ચલાવી અકસ્માત સર્જી હિતેશભાઈનું મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત ઝોન તરીકે કુખ્યાત પેઢલા ચોકડી વિશે ગામના લોકોએ જણાવ્યું હતું કે અહીં રોડ પર ટોલનાકા ઓથોરિટી દ્વારા ત્રણ દિવસથી રોડ પર કામ ચાલુ કર્યા વગર આડશ ઊભી કરી છે, જેને કારણે પણ અકસ્માત સર્જાય છે. આજે અકસ્માત થયો ત્યારે ફરી ગામના સરપંચે તરત જ ટોલનાકાને રોડની આડશો દૂર કરવા ફોન કરી જણાવ્યું હતું.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp