તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં નવા નટુ કાકાની એન્ટ્રી,જુઓ તસવીર

TMKOOC New

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના પ્રેક્ષકો અને શોના કલાકારો પણ નટ્ટુ કાકાના પાત્રને ખૂબ જ મિસ કરી રહ્યા છે. તેથી હવે નિર્માતાઓએ નવા નટ્ટુ કાકાની શોધ પૂર્ણ કરી છે. આ પાત્ર હવેથી શોમાં જોવા મળશે. શોના નિર્માતા અસિત મોદીએ દર્શકોને નવા નટુ કાકાનો પરિચય કરાવ્યો છે. જેની જાણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને નવા નટ્ટુ કાકાની ઝલક બતાવવામાં આવી છે. આ તસવીરમાં અસિત મોદી સાથે ઉભેલી વ્યક્તિ હવે શોમાં નટ્ટુ કાકાનું પાત્ર ભજવતી જોવા મળશે.

કોણ છે નવા નટુકાકા?
નવા નટુકાકાનું નામ કિરણ ભટ્ટ છે અને તેઓ ગુજરાતી છે. તેઓ પોતાના મિત્રવર્તુળમાં ‘કેબી’ તરીકે લોકપ્રિય છે. કિરણ ભટ્ટ થિયેટરના કલાકાર છે. કિરણ ભટ્ટ થિયેટર ડિરેક્ટર, પ્રોડ્યુસર તથા આર્ટિસ્ટ છે. 2019માં કિરણ ભટ્ટે ‘વેવાઈ V/S વેવાઈ’ ડિરેક્ટ કર્યું હતું. હાલમાં તેમનું ડિરેક્ટ કરેલું નાટક ‘સગપણ તને સાલમુબારક’ના શો ચાલે છે.

વીડિયો શેર કરી અપાઈ જાણકારી:
અસિત મોદીએ એક વીડિયો શૅર કર્યો જેમાં કહ્યું કે, ગડા ઇલેક્ટ્રોનિક્સની વાત આવે એટલે નટુકાકાની યાદ આવે છે. જોકે ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી. તેઓ જ્યાં પણ હશે ત્યાં ગડા ઇલેક્ટ્રોનિક્સની કોમેડી જોઈને હસતા હશે અને મિસ કરતા હશે. એ જ નટુકાકાએ હવે નવા નટુકાકા મોકલ્યા છે.

અસિત મોદીની દર્શકોને વિનંતી:
અસિત મોદીએ આ વીડિઓમાં નવા નટુકાકાને મળાવ્યા. તેઓ દર્શકોને વિનંતી કરી કે આ નવા નટુકાકાને પણ પ્રેમ આપજો. તેમનાથી નાની-મોટી ભૂલ થાય તો માફ કરજો. તેમને આશા છે કે આ નવા નટુકાકા સિરિયલમાં ખરા ઊતરશે.અસિત મોદીએ છેલ્લે કહ્યું હતું, ‘કલાકારો બદલાતા રહેશે, કોઈ આપણી વચ્ચે નહીં રહે, કોઈ આ સફર છોડી દેશે, પરંતુ પાત્ર ક્યારેય બદલાશે નહીં. શો મસ્ટ ગો ઓન.’

એટલે કે આ ફેમિલી શોમાં ફરી એકવાર કાકા-ભત્રીજાની જોડી જોરદાર રંગ જમાવતી જોવા મળશે. ગડા ઈલેક્ટ્રોનિક્સ પણ ખુલી ગયું છે એટલે નટુ કાકા વગર દુકાન અધૂરી છે. હવે આ દુકાનમાં નટુ કાકા અને બાઘા બંને ભેગા મળીને જેઠાલાલને ખૂબ જ પરેશાન કરશે, પછી તેઓ તેમના દુ:ખ અને સુખના સાથી પણ બનશે. તમને જણાવી દઈએ કે ઘનશ્યામ નાયક છેલ્લા 13 વર્ષથી આ પાત્ર ભજવી રહ્યા હતા પરંતુ ગયા વર્ષે તેમનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. આ દરમિયાન તેમની તબિયતમાં પણ સુધારો થયો પરંતુ સપ્ટેમ્બરના અંતમાં તેમની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ઘનશ્યામ નાયકે 3 ઓક્ટોબરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની વિદાય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માટે એક અપૂર્ણ ખોટ હતી. ઘનશ્યામ નાયક માત્ર દર્શકોના જ નહીં પણ શોના બાકીના કલાકારોના પણ પ્રિય હતા. તેમના અંતિમ સંસ્કારમાં શો સાથે જોડાયેલા ઘણા ચહેરાઓ સામેલ થયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp