પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જામનગરમાં GCTM બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો,જાણો સમગ્ર વિગતો

બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનુ ઉદઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર પહોંચ્યા છે. તેઓ અહીં વિશ્વ આયુર્વેદિક યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ભૂમિપૂજન કરવાના છે. પીએમ મોદી સાથે કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ જામનગર પહોંચ્યા છે. પ્રધાનમંત્રી 19 એપ્રિલે બપોરે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરશે. મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. GCTM એ વિશ્વભરમાં પરંપરાગત દવા માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે. તે વૈશ્વિક સ્તરે આરોગ્યના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે ઉભરી આવશે. 

WHOના ડાયરેક્ટર જનરલે ગુજરાતીમાં ‘કેમ છો, મજામાં’ કહીને સંબોધન શરૂ કર્યું

 

જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે આપણે સમગ્ર વિશ્વમાં હેલ્થ વેલનેસના નવા અધ્યાયના સાક્ષી બન્યા છીએ. WHO ડિરેક્ટર જનરલ ટેડ્રોસથી મારો પરિચય જૂનો છે.

નોંધનીય છે કે, અંબાણી પરિવાર પણ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે. મુકેશ અંબાણી અને આકાશ અંબાણી પીએમ મોદીને મળવા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. આજે મુકેશ અંબાણીનો જન્મદિવસ હોઈ આ મુલાકાત ખાસ રહી હતી, પીએમ મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન સીધા જ જામનગરના પાયલોટ બંગલે પહોંચી જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી.

જામનગર ખાતે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ સેન્ટર ફોર  ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગે WHOના વડા ડૉ. ટેડ્રોસ અધનોમ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા પણ ખાસ જોડાયા છે. WHO ના વડા ડૉ. ટેડ્રોસ અધનોમ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા એરફોર્સ સ્ટેશન ખાતે પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી. એરપોર્ટથી  બહાર નીકળતા તેમના અભિવાદન માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાતીગળ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી આપણી સંસ્કૃતિના દર્શન તેમને કરાવ્યા હતા. 

પ્રધાનમંત્રીનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરતા વિવિધ સ્ટોલ સાથે  દુહા-છંદ અને દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા.  ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા સહિત તેમનું ડેલિગેશન પણ આ અદકેરા સ્વાગતથી ભાવવિભોર બની ગયું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રી મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સાના મેડિસિન સેન્ટરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. GCTMના કાર્યક્રમમાં મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જુગનાથ તથા WHOના મહાનિર્દેશક જનરલ ટેડ્રોસ ઉપસ્થિત રહેશે. રોડ શો દરમિયાન વહીવટી તંત્રએ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સ્ટેજ બનાવ્યા છે. મહેમાનોનું સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને સ્વાગત કરાશે.

278536417 557226665708837 4559145032154758632 n
(જામસાહેબ શત્રુશલ્યસિંહજી સાથે વડાપ્રધાનની મુલાકાત)

શું છે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર
વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેનુ વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે. તેમજ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે. આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે. જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે. પરંપરગત દવાઓની ગુણવતા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાત્રી થશે. ઉપરાંત ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનુ મુલ્યાંકન કરવા માટે સબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા પણ ઉપયોગી પુરવાર થશે.  

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે. તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન તરીકે ઉભરી આવશે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે. તે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં  યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *