ફેક્ટ કમિટી સમક્ષ 30 જેટલા વિદ્યાર્થીઓ નિર્દોષ સાબિત થયા હતા. જયારે અન્ય 40 વિદ્યાર્થીઓને 500-500 રૂપિયાના દંડ કરીને છોડી દેવામાં આવ્યા હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ની ફેક્ટ કમિટીની(Fact Committee) બેઠક બુધવારે મળી હતી. જેમાં online ચોરીના કેસમાં 30 જેટલા વિદ્યાર્થીઓ નિર્દોષ મળી આવ્યા હતા. જેમને કોઈ સજા આપવામાં આવી નથી. આ પહેલા ઓનલાઈન પરીક્ષામાં ચોરીના મામલે તેમને શંકાસ્પદ માનીને આ વિદ્યાર્થીઓનું પરિણામ રોકી દેવામાં આવ્યું હતું.
કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ અથવા કોઈ પરીક્ષામાં સમસ્યા ન થાય તેના માટે યુનિવર્સિટીની ફેક્ટ કમિટીને કોપી કેસના કિસ્સામાં જલ્દી નિરાકરણ લાવવા જણાવવામાં આવ્યું હતું જેને લઈને તપાસ કમિટીએ કોપી કેસના કિસ્સાઓની સુનાવણી કરી હતી .કમિટીએ અત્યાર સુધી 200 કેસમાં પોતાનું મંતવ્ય આપ્યું છે.
બે દિવસ પહેલા લગભગ 40 વિદ્યાર્થીઓને 500-500 રૂપિયાના દંડ કરીને છોડી દેવામાં આવ્યા હતા. કમિટીએ ઓનલાઈન પરીક્ષા દરમિયાન આખો વીડિયો જોઈને તપાસ કરી હતી અને તેના આધાર પર નિર્ણય આપ્યો હતો. પહેલા નિયમ એ હતો કે ઓનલાઈન પરીક્ષા દરમિયાન કેમેરામાં વિદ્યાર્થી કે આસપાસ કોઈ પણ વ્યક્તિ જોવામાં જો આવશે તો તેને કોપી કેસ માનવામાં આવશે.
કમિટીએ કરેલી તપાસમાં સામે આવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ ઘરમાં પરીક્ષા આપવા માટે કોઈ અલગ વ્યવસ્થા હતી નહીં. કેટલાક વિદ્યાર્થીઓને મજબૂરીમાં ભીડભાડવાળી જગ્યાઓ પર ઓનલાઈન પરીક્ષા આપવી પડી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને નિયમ બદલવામાં આવ્યો હતો. હવે આ નિયમને પણ બદલી દેવામાં આવ્યો છે.
કયા કેસમાં નિર્દોષ છૂટ્યા?
1. વિદ્યાર્થીને પરીક્ષા આપતી વખતે પરિવારજન અથવા હોસ્ટેલના રૂમમાં મિત્ર ના આવી જવાથી
2. પરીક્ષાના સમયે અન્ય વ્યક્તિનો અવાજ આવવાથી
3. ઓફિસ અથવા ખુલ્લી જગ્યાએ પરીક્ષા આપવાના કિસ્સામાં
આમ, ચાલુ વર્ષે કોરોનાના કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ પર નજર રાખવા માટે સ્પેશ્યલ મોનીટરીંગ ટીમ રાખવામાં આવી હતી. જેમના દ્વારા વિદ્યાર્થીઓ શંકાસ્પદ ગતિવિધિ કરતા નજરે ચડે તો તેમને માર્ક કરીને કોપી કેસ કરવામાં આવ્યા હતા. જોકે તેમાંથી ફેક્ટ કમિટી સમક્ષ 30 જેટલા વિદ્યાર્થીઓ નિર્દોષ સાબિત થયા હતા. જયારે અન્ય 40 વિદ્યાર્થીઓને 500-500 રૂપિયાના દંડ કરીને છોડી દેવામાં આવ્યા હતા.