કોરોનાના નવા વેરીએન્ટની ભારતમાં એન્ટ્રી, મુંબઈમાં મળ્યો XE અને કપ્પાનો પ્રથમ કેસ

કોરોના વાઈરસના નવા વેરિએન્ટ XEનો ભારતમાં પગપેસારો થઈ ગયો છે. જેનો પ્રથમ કેસ બુધવારે મુંબઈમાં નોંધાયો છે. કુલ 376 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેની તપાસમાં એક દર્દીમાં કોરોનાના XE વેરિએન્ટનું સંક્રમણ મળી આવ્યું છે. આ વેરિએન્ટની શરૂઆત યુકેથી થઈ છે.

આ અંગે BMCએ પોતાના તાજા સીરો સર્વેમાં જણાવ્યું કે, શહેરમાં XE વેરિએન્ટ અને કપ્પા વેરિએન્ટનો એક-એક કેસ મળી આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કુલ 230 લોકોના રિપોર્ટ સીરો સર્વે માટે મોકલવામાં આવ્યો હતો. જે પૈકી 21 લોકોને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યાં છે. જો કે રાહતની વાત એ છે કે, કોઈ પણ દર્દીને ઑક્સિજન કે વેન્ટિલેટરના સહારે રાખવાની જરૂર નથી પડી.

કોરોનાના નવા XE વેરિએન્ટ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નું કહેવું છે કે, આ ઑમિક્રોન વેરિએન્ટના બે સ્ટ્રેન્સ BA.1 અને BA.2ને મળીને બન્યો છે. તેનો પ્રથમ કેસ બ્રિટનમાં નોંધાયો હતો અને તેને XE વેરિએન્ટ નામ આપવામાં આવ્યું છે.

WHOએ આશંકા વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ વેરિએન્ટ ઝડપથી ફેલાતો સાબિત થઈ શકે છે. ભારતમાં કોરોનાના કેસોમાં સતત કમી આવી રહી છે અને એક્ટિવ કેસો પણ ઝડપથી ઘટીને 15 હજારથી ઓછા રહી ગયા છે. એવામાં હવે XE વેરિએન્ટનું સામે આવવું ચોક્કસ ચિંતા વધારનારું છે. નવો વેરિએન્ટ મળવાથી અત્યાર સુધી કોરોના મહામારીમાં મળેલી સફળતા પર પાણી ફરી વળવાનું સંકટ ઉભુ થયું છે.

ઉલ્લેખનીય છે કે, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં એક વખત ફરીથી કોરોનાએ માથું ઊંચક્યું છે. ચીનની આર્થિક રાજધાની કહેવાતા શાંઘાઈમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે અને પ્રતિદિન લાખો ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

વૈજ્ઞાનિકો અને રિસર્ચરના મત અનુસાર ઓમિક્રોન વેરિઅન્ટના સ્ટ્રેઈનનું આ મ્યુટેશન, XE વેરિઅન્ટ ઓમિક્રોન મ્યુટેશન કરતાં 10 ગણું વધુ ટ્રાન્સમિસિબલ(સંક્રમણ કરનાર) હોઈ શકે છે.

IIT કાનપુરના જણાવ્યા મુજબ, ભારતમાં પણ જૂન-2022 સુધી કોરોનાની ચોથી લહેર આવી શકે છે. જો કે એક્સપર્ટનું માનવું છે કે, દેશમાં મોટાપાયે વૅક્સિનેશન થઈ ચુક્યું છે. એવામાં કોરોનાની નવી લહેર પહેલાની જેમ ઘાતક નીવડે તેવી શક્યતા ઘણી ઓછી છે.

XE સ્ટ્રેઈન પ્રથમ વખત યુકેમાં મળી આવ્યો

XE સ્ટ્રેઇન પ્રથમ વખત 19 જાન્યુઆરીના રોજ યુકેમાં મળી આવ્યો હતો અને ત્યારથી 600 થી વધુ XE કેસની પુષ્ટિ થઈ છે. બ્રિટનની હેલ્થ પ્રોટેક્શન એજન્સી (HSA)ના મુખ્ય તબીબી સલાહકાર સુઝાન હોપકિન્સ કહે છે કે તેની ચેપ, ગંભીરતા અથવા તેમની સામે કોવિડ-19 રસીની અસરકારકતા વિશે તારણો કાઢવા માટે હજુ પૂરતા પુરાવા નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp