ગુજરાત રાજ્યના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્તા સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. સૌરાષ્ટમાં સાંબેલાધાર વરસાદથી મોટી વરસાદી તારાજી સર્જાઇ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે બાદ તે સૌથી વધુ વરસાદી આફતનો ભોગ બનેલા ગામની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે અસરગ્રસ્ત લોકોની વેદના CMએ સાંભળી સંભવિત મદદની ખાતરી આપી હતી, ગ્રામજનોએ તેમને થયેલ નુકસાની વર્ણવી ત્યારે કોઈને અન્યાય નહીં થાય એવી હૈયાધારણા આપી હતીતેમજ તાત્કાલિક તમામ મદદ પહોંચાડવા માટે તંત્રને આદેશ આપ્યા છે. અને સાથે જ સમય લાગે તો પણ તમામ મદદ પહોંચાડશે એવી ખાતરી પણ આપી છે. હવે તે રાજકોટમાં પણ સર્જાયેલી વિકટ પરિસ્થતિનો રૂબરૂ જઈ તાગ મેળવશે.
PGVCLને ફરી ફટકો : સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડા બાદ PGVCLને ફરી ફટકો
સૌરાષ્ટ્રમાં જ્યાં મેઘતાંડવનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ત્યારે રાજ્યનાં વીજળી વિભાગ PGVCLને ફરી જોરદાર ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડા દરમિયાન વીજળીનાં કેટલાય પોલ પડી ભાંગ્યા હતા જે બાદ જામનગર સહિતનાં જિલ્લાઓમાં ઘણા દિવસ સુધી વીજ વ્યવવહાર ખોરવાયો હતો. હજારો વીજ પોલ ફરીથી ઊભા કરવા માટે સરકાર દ્વારા મોટા પાયે કામ કરવામાં આવ્યું હતું ત્યારે હવે પૂરનાં કારણે સૌરાષ્ટ્રમાં 545 વીજપોલ જમીનદોસ્ત થયા છે. રાજકોટના 23 અને જામનગરના 85 ગામ સહિત 145 ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
રામનાથ મહાદેવના પરિસરમાં ઘૂસ્યા પાણી :
રાજકોટ શહેર અને જિલ્લામાં સોમવાર ના રોજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે રાજકોટ શહેરમાં સોમવારના રોજ 13 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો જ્યારે કે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં 21 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. ત્યારે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે આજી નદી બે કાંઠે વહી હતી. આજી નદીમાં પૂર આવવાના કારણે થોડા વિસ્તાર નો જુનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. તો સાથે જ આજી નદી દ્વારા રામનાથ મહાદેવનો જળાભિષેક પણ કરવામાં આવ્યો હતો. આજી નદીમાં પૂર આવવાના કારણે રામનાથ મહાદેવ મંદિર પટાંગણ સહિતના વિસ્તારોમાં ગાંડીવેલ સહિતની વનસ્પતિઓ તણાઈ ને આવી હતી. તો સાથેજ મોટા પ્રમાણમાં કચરો પણ આવ્યો હતો. જેથી મેયર પ્રદીપ ડવ સહિતના અધિકારીઓએ રામનાથ મહાદેવ સહિતના વિસ્તારોની મુલાકાત લઇ જેસીબી દ્વારા તાત્કાલીક અસરથી કચરો દૂર કરવાની સૂચના આપી હતી.
જામનગર જિલ્લામાં ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી તેમને થયેલા નુકસાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદનાપૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી. pic.twitter.com/oPfHfEV3By
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 14, 2021
જામનગર જિલ્લામાં ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના મહાપ્રભુજીની બેઠક વિસ્તારની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી તેમને થયેલા નુકસાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદનાપૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી. pic.twitter.com/gkMVKaRuhu
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 14, 2021
જામનગર જિલ્લામાં ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા આશીર્વાદ-2 અને દેવળીયા પાર્ક વિસ્તારની મુલાકાત લઈ નાગરિકો સાથે વાતચીત કરી હતી. pic.twitter.com/1katXxStNE
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 14, 2021
ગુજરાતમાં ભારે તબાહી
ગુજરાતમાં આખો શ્રાવણ મહિનો કોરોધાકોર ગયો હતો જે બાદ ખેડૂતો અને સરકાર ટેન્શનમાં મૂકાઈ ગઈ હતી કે રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે ભાદરવામાં મેઘરાજાની તોફાની બેટિંગનાં કારણે મેઘતાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ છે ત્યારે આ તબાહીનાં દ્રશ્યોની વચ્ચે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં હજુ આજના દિવસ માટે પણ ઓરેન્જ અલર્ટ આપી દેવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં આજે ઓરેન્જ અલર્ટ
સૌરાષ્ટ્રનાં રાજકોટ, જુનાગઢ, જામનગરમાં સ્થાનિકોનાં હાલ બેહાલ છે અને કેટલાય ગામોમાં સંપર્ક થઈ રહ્યો નથી ત્યારે સૌરાષ્ટ્રનાં સાત જિલ્લાઓમાં આજના દિવસ માટે ભારે વરસાદને લઈને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે પોતાનો પ્રથમ પ્રવાસ જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં કર્યો હતો. મુખ્યમંત્રી આજે પોતાના કાફલા સાથે જામનગરના પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ભૂપેન્દ્ર પટેલે કોમનમેનની માફક કાદવ-કીચડમાં ચાલીને લોકોની સમસ્યા જાણવા પહોંચ્યા હતા. લોકોની વચ્ચે બેસીને લોકોને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રથમ પ્રવાસ
ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ સમયે જ જામનગર શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાયેલી હતી. શપથ ગ્રહણ પહેલાં અને શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રીએ જામનગર કલેકટર સાથે સંપર્કમાં રહી સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે વાતાવરણ ચોખ્ખું થતાં જ મુખ્યમંત્રી પોતાના પ્રથમ પ્રવાસે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમની સાથે જામનગરનાં સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, રાજ્યકક્ષાના મંત્રી હકુભા જાડેજા સહિત ભાજપના આગેવાનો જોડાયાં હતાં.
પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાત કરી
સોમવારે આવેલા પૂરને કારણે ધુંવાવ ગામમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ગામના 50 ટકા વિસ્તારમાં પાણી ઘૂસી ગયું હોવાને કારણે લોકોની જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ બગડી હતી અથવા તો પાણીમાં તણાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવ્યા બાદ આજે સીધા જ ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીંની પૂરને કારણે થયેલા નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી.
કોમનમેનની માફક કાદવ-કીચડમાં ચાલી લોકો સુધી પહોંચ્યા
સોમવારે ધુંવાવ ગામમાં પૂર આવ્યું હોવાને કારણે ઠેર ઠેર કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. ત્યારે ધુંવાવ ગામમાં આવેલા મુખ્યમંત્રી પગે ચાલીને જ લોકોને સાંભળવા માટે પહોંચ્યા હતા. અહીં લોકોના મુખે જ લોકોની આપવીતી સાંભળી હતી. લોકોને સાંભળ્યા બાદ મુખ્યમત્રી દ્વારા સરકાર તરફથી તમામ બનતી મદદ કરવાની ખાતરી આપવામા આવી હતી.