રાજકોટમાં ધો-12ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું, નાપાસ થવાના ડરથી આપઘાત કર્યો

ગુજરાતમાં હાલ ધોરણ 12 અને 10ની બોર્ડની પરીક્ષાઓ શરૂ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ઘણીવાર પ્રયાસ કર્યા વગર જ પરીક્ષાના ભયથી નાસીપાસ થઈ જતા હોય છે અને ન કરવાનું કરી બેસતા હોય છે. પરીક્ષા તો દર વર્ષે આવશે પણ તમારૂ જીવન એકવાર જશે તો પરત નહીં આવે પણ માસૂમ વિદ્યાર્થીઓ પરીક્ષાના ભયના ઓથારમાં આ વાત ભૂલી જાય છે. આવી જ ઘટના રાજકોટમાં ઘટી છે.

રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીએ પરીક્ષામાં નાપાસ થવાના ભયથી જીવન ટુકાવી દીધુ છે. ચોટીલાના ખેરાણા ગામમાં ધોરણ 12ની પરીક્ષાઓની તૈયારી કરતી વિદ્યાર્થીનીએ બોર્ડ એક્ઝામના પ્રથમ જ દિવસે ઝેરી દવા પીને મોત વહાલું કરી લીધુ હતુ. દીકરીના આમ નાસીપાસ થઈ જવાથી પરિવારનું આક્રંદ ભલભલાને રડાવી મૂકે તેવું હતુ.

નાપાસ થવાના ડરથી આપઘાત
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાના ટેન્શનને કારણે વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં બોર્ડની પરીક્ષા ચાલુ થયાના પ્રથમ દિવસે જ સવારે ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી લેતાં ચકચાર મચી ગઈ હતી. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પરીક્ષાના પ્રથમ દિવસે ઝેરી દવા પીધા બાદ વિદ્યાર્થિનીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ચોટીલાના ખેરાણા ગામે રહેતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે 28મી માર્ચ 2022ના સવારે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે 10 દિવસની સારવાર બાદ તેનું ગઈકાલે મોડી રાત્રે મોત નીપજ્યું હતું. સગીરા એક ભાઈની એકની એક બહેન હતી. પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક સણોસરામાં આવેલી મોડલ શાળામાં ધો.12માં અભ્યાસ કરતી હતી.

પરીક્ષાનું પહેલું પેપર હતું, એ જ દિવસે સવારે ઊઠી પરીક્ષામાં નાપાસ થઈશ તો એવા ડરથી ઝેરી દવા પીધી હતી અને ત્યાર બાદ પિતાને કહ્યું હતું કે પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે, જેથી પરિવારે સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં તેની સારવારમાં ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ચોટીલા પોલીસે કાર્યવાહી આદરી છે.

પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું
આજથી એક સપ્તાહ પહેલાં ધોરણ 10માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે 1:30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને જાતને જલાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

ધો.8ની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાધો
ઉલ્લેખનીય છે કે ગઈકાલે શહેરની પ્રિયદર્શીની સોસાયટીમાં રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી સગીરાએ રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી દેહ લટકાવી દેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ તબીબે તેને મૃત જાહેર કરતાં સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાતનું કારણ પણ બહાર આવ્‍યું નથી. આપઘાતનું કારણ પરિવારજનો જાણતા ન હોવાથી પોલીસે તપાસ યથાવત્ રાખી છે.

ધોરણ 10 અને 12માં 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 95 હજાર 982 રેગ્યુલર વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રીપીટર 11 હજાર 984 પરીક્ષાર્થીઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. CCTV કેમેરા સહિતની કડક વ્યવસ્થાઓ વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષા સવારનાં 10થી બપોરનાં 1:15 વાગ્યા દરમિયાન લેવાઈ રહી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10:30 થી 1:45 વાગ્યા દરમિયાન અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન યોજાશે.

પરીક્ષામાં પેપર નબળું જતાં આપઘાત કર્યો
રાજકોટ શહેરમાં 2 દિવસ પહેલાં કોલેજિયન યુવતીએ પરીક્ષામાં પેપર નબળું જતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના મવડી રોડ શોભના સોસાયટીમાં રહેતી અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી શ્વેતા મનસુખ હાપલિયા (ઉં.વ.20) ગઈકાલે બપોરે બી.કોમ.નું છેલ્લું પેપર દઈને ઘરે આવ્યા બાદ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. કોલેજિયન યુવતી ઘરે ઊલટી કરવા લાગતાં પરિવારને જાણ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp